વેરાવળ નગરપાલિકાનો લાખેણો વિકાસ વરસાદ પડતા જ પાણીમાં બેસી ગયો ? Gir Somnath News
પરાગ સંગતાણી, વેરાવળ: વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા લાખેણો વિકાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા રૂપિયા 30 થી 35 લાખના ખર્ચે નગરમાં ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા રબારીવાડાની સામેના રોડ સુધી આ ફૂટપાથ બન્યો છે. પરંતુ આ ફૂટપાથના વિકાસ કાર્યની વિકાસ ગાથા નગરપાલિકાને શરમાવે તેવી છે.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ફૂટપાથ પર પેવર બ્લોક ફીટ કરી લાખોના ખર્ચે કરેલો વિકાસ વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદના પાણીથી લાખેણો વિકાસ જમીનમાં બેસી જતા વિકાસની પોલ ખુલી ગઈ છે. જો કે મહત્વની વાત છે કે વરસાદના કારણે બેસી ગયેલી ફૂટપાથનો વિકાસ હજૂ પૂર્ણ નથી થયો તેમ નગરપાલિકાના સુત્રો દ્વારા માહિતી મળી છે.
ઉલ્લેખનીય છે કે જમીનમાં બેસી ગયેલા વિકાસ ગાથા મામલે પાલિકા ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ફૂટપાથ બનાવવાનું કામ એન. ડી. પટેલ એજન્સીને સોંપવામાં આવ્યું છે. હાલ વરસાદના લીધે ઘણી જગ્યાએ કામગીરી અધુરી રહી ગઈ છે. ઉપરાંત તેની નીચે વિવિધ 7 લાઈન પણ મૂકવામાં આવી રહી છે. જે એસ. ટી. રોડ પર લિલાશાહ નગર સુધી જ પૂર્ણ થઈ છે. બાકીના વિસ્તારોમાં વરાપ બાદ કામ પૂર્ણ કરાશે. પરંતુ તેના કારણે આ વિકાસ ગ્રસ્ત વિસ્તારમાં પાણી પણ ભરાયા હોવાની માહિતી લોકો પાસેથી મળી રહી છે.
ત્યારે નગરજનો માગણી ઉઠી છે કે, તંત્ર વહેલી તકે આ વિકાસ કાર્યને વહેલી તકે હેમખેમ પાર પાડે અને નાગરિકોને વહેલી ખરેખર સુવિધાનો લાભ આપે અને જમીનમાં બેસી ગયેલા વિકાસને ફરી બેઠો કરી જવાબદારો સામે કાર્યવાહી કરે.
વધુ સમાચાર- ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘમહેર, સવારે 4 કલાકમાં ધોધમાર વરસાદ