ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ થયા
Gujarati News Live ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસતી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કોરોના સંક્રમિત થયાના અહેવાલ મળી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા હોવાથી તેઓ આઈસોલેટ થયા છે. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 2022 (Jagannath Rathyatra Ahmedabad 2022)માં પણ તેએઓ સામેલ થવાના હતા. પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત હોવાના કારણે ભગવાનની રથયાત્રામાં જોડાશે નહીં. સાથે જ રાજ્યમાં તેમના અગાઉથી નિર્ધારીત કેટલાય કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાના હળવા લક્ષણો જણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા તમામને કોવિડ ટેસ્ટ કરવા માટે જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કોવિડ પોઝિટીવ થયા હતા.
રાજ્યમાં કોરોનાના કેસ વધે તેવી ભિતી વચ્ચે આરોગ્ય વિભાગ પણ સજ્જ થયું છે. સાથે જ આરોગ્ય વિભાગે લોકોને કોરોના સામે લડવાની ગાઈડલાઈનને પુર્ણ પણે પાલન કરવા સૂચના આપી છે. નોંધનીય છે કે, રાજ્યમાં ગતરોજ તારીખ 28 જૂનના રોજ કોરોનાના 475 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળ્યા હતા. હાલ રાજ્યમાં 2893 કોરોનાથી સંક્રમિત કેસ છે.