લોધીકામાં ડોકટર સહિતના સ્ટાફની અછત, આગેવાનોએ કરી આરોગ્ય વિભાગને રજૂઆત
Lodhika News Gujarati લોધીકા ન્યૂઝ : લોધિકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફથી દર્દીઓને હાલાકી પડી રહી છે. તાલુકા કક્ષાના એકમાત્ર આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનો વધારો ફાળવવા લોક માગણી ઉઠી છે. આ અંગે સામાજિક કાર્યકર્તા અશોકભાઈ વસોયા, ગૌરવ હંસોરા, મહેશભાઈ ઘાડીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા, પૂર્વ સરપંચ જયંતિભાઈ વસોયાએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી.
આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, લોધીકાના તાલુકા કક્ષાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (Lodikha PHC Center)માં ઘણા લાંબા સમયથી એમ.એસ. સર્જનની જગ્યા ખાલી છે. લોધીકાથી સ્ટેટ હાઇવે આવેલો હોય તથા મેટોડાથી શાપર (Metoda-Shapar)ને જોડતો માર્ગ અહીંથી પસાર થતો કેટલીક વખત નાના-મોટા અકસ્માત થતા રહે છે. આવા સમયે અહીં સારવારમાં આવતા દર્દીઓને એમ.એસ સર્જન નહીં હોવાથી મુશ્કેલી સર્જાતી રહે છે. ત્યારે નાછૂટકે દર્દીને સારવાર માટે શહેરમાં લઈ જવા પડે છે.

અહીં આંખના ડોક્ટરની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે. આંખની સારવાર માટે આવતા દર્દીઓ સારવાર લઈ શકતા નથી. જેને લઇ દર્દીઓને નાછૂટકે સારવાર માટે શહેરમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈ ઘટતા સ્ટાફની નિમણૂક કરવા લોકોની માંગણી છે.

આ ઉપરાંત રજૂઆત કરવામાં આવી છે કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જનરેટર સેટની સુવિધા પણ હોવી જોઈએ. કારણ કે અવાર નવાર લાઈટ જવાના કારણે હોસ્પિટલમાં અંધારપટ છવાઈ જાય છે. દર્દીને મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે આ હોસ્પિટલમાં જનરેટરની સુવિધા જરૂરી છે. તેવી જ રીતે સાંગણવા રોડથી હોસ્પિટલ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. રોડનું નામો નિશાન નથી મોટા-મોટા ગાબડા પડી ગયેલ છે દર્દીને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.
વધુ વાંચો- પત્રકાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ, ફેક્ટ ચેકિંગ વેબસાઈટ AltNewsના સહ-સંસ્થાપક છે ઝુબૈર
વધુ વાંચો- રાજકોટમાં ‘ગે’ માટેની એપથી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 હજારની માંગણી કરતા આરોપી ઝડપાયા