મધલાળમાં ફસાવી હનીટ્રેપ કરતી બે યુવતી સહિતની ગેંગ ઝડપી પાડતી પાટણ ક્રાઈમ બ્રાન્ચ
Patan News પાટણ : રાજ્યમાં સમયાંતરે હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હનીટ્રેપમાં મહિલાને આગળ કરી મધલાળમાં ફસાવી વેપારીઓને બ્લેકમેલ (Black Mail) કરવામાં આવે છે. આવી જ એક ઘટના પાટણમાં સામે આવી છે. પાટણમાં બે યુવતીઓ અને યુવકોની ટોળકીએ કાવતરું રચી પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા હતા. ટોળકી વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવતા પાટણ એલ.સી.બી.એ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણના હારિજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિને હનીટ્રેપ Honey Trap નો શિકાર બનાવવામાં આવ્યા હતા. ગેંગ દ્વારા યુવતીને આગળ કરી મોહજાળમાં ફસાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતીએ ફરિયાદીને ખાનગી જગ્યા પર બોલાવ્યા હતા. યુવતિએ ફરિયાદી સાથે પ્રેમાલાપ કરી ઉકશાવ્યા હતા અને બાદમાં અર્ધનગ્ન અવસ્થામાં વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયોનો ઉપયોગ કરી ફરિયાદીને યુવતી અને ગેંગના સભ્યો મળી ફરિયાદીને બ્લેકમેઈલ કરી રહ્યા હતા. વિડીયો વાયરલ કરવાની ધમકીને પગલે ગેંગે રૂપિયા 10 લાખ જેવી માતબાર રકમની માંગણી કરી હતી અને 5 લાખની રકમ અગાઉથી લઈ લીધી હતી.
આ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવતા પાટણ એલ.સી.બી. દ્વારા બે યુવતી અને બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 3.37 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે થોડા સમય અગાઉ પાટણમાં જ એક વ્યક્તિ સાથે હનીટ્રેપનો કિસ્સો બન્યો હતો અને ત્યાર બાદ આ બીજી ઘટના છે જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.