વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી
President of India Election 2022 નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિપક્ષના સંયુક્ત રીતે નક્કી થયેલા ઉમેદવાર યશવંત સિંહાએ આજરોજ 27 જૂને ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. દરમિયાન મીડિયાને મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે, “અમારી પાસે 17 થી વધારે પક્ષનું સમર્થન છે, ઉપરાંત અમે જેમનો સંપર્ક નથી કર્યો તેમણે અમારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને ફોન કરી ચર્ચા કરી છે. હવે તમામ પક્ષો એક્ત્રિત થયા બાદ જંગ જામશે”
અગાઉ ગત રવિવારે એન.સી.પી. નેતા શરદ પવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ પર ઉમેદવાર યશવંત સિંહાની જીત નક્કી કરવા માટે વિરોધપક્ષે પુરી તાકાત લગાવવી પડશે. રાષ્ટ્રપતિ ચૂંટણીના અંકગણિત પર નજર કરીએ તો સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી જણાવાઈ રહી છે. માટે વિપક્ષના તમામ પક્ષોએ સારી લડાઈ લડવા માટે નક્કર પ્રયાસો કરવા પડશે.
પવારની આ ટિપ્પણી ત્યારે સામે આવી છે જ્યારે, YSR કોંગ્રેસ તેમજ બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) દ્વારા 18 જુલાઈની ચૂંટણીમાં ભાજપની આગેવાની વાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માતે મતદાન પ્રક્રિયા થશે. જ્યારે 21 જુલાઈના રોજ પરિણામની જાહેરાત નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર તારીખ 29 જુન સુધી નોંધાવી શકે છે, જ્યારે 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકે છે. આગામી 24 જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે.