જગન્નાથજીની રથયાત્રાને લઈ રાજકોટ પોલીસ સજ્જ, કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Rajkot City News રાજકોટ : રાજકોટમાં અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાને રાખી રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ (IPS Raju Bhargav)ની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જગન્નાથ મંદિર રાજકોટના મહંત ત્યાગી મનમોહન દાસ તેમજ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો અને શહેરના હિન્દૂ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. ભાઈચારાથી સમગ્ર આયોજન પાર પડે અને શાંતિ જળવાઈ રહે માટે પોલીસ અધિકારીઓએ અગાઉ પણ હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું.
ચાંપતો બંદોબસ્ત રહેશે રથયાત્રા
રથયાત્રામાં ત્રણ રથ અને 55-60 જેટલા વાહનો જોડાશે.
આશરે અઢી હજાર ભાવિકો યાત્રામાં જોડાઈ શકે છે.
રથયાત્રાના રૂટ પર અને મહત્વની જગ્યાઓ પરથી પોલીસના જવાનોની રહેશે ચાંપતી નજર.
વોકીટોકી અને ડીપ પોઈન્ટ પરથી પોલીસ દૂરબીનથી રાખશે જવાનો નજર.
અધિકારી સહિતનો કાફલો રહેશે તૈનાત
ખાસ પોલીસ કમિશનર, 2-નાયબ પોલીસ કમિશનર, 5- મદદનીશ પોલીસ કમિશનર, 16 પોલીસ ઈન્સપેક્ટર, 51 પોલીસ સબ ઈન્સપેક્ટર, 10 મહિલા સબ ઈન્સપેક્ટર, 40 એસ.આર.પી. જવાન તેમજ પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બી. ગાર્ડ મળી કુલ 1307 જવાનો બંદોબસ્ત માટે રહેશે તૈનાત.
સી.સી.ટી.વી. અને ડ્રોનનો થશે ઉપયોગ
રાજકોટ શહેર પોલીસ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર તેમજ ગીચ વિસ્તારોમાં સી..સી.ટી.વી. તેમજ પ્રહરી વાહન તથા ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખશે.

આ બેઠકમાં રાજકોટના પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ સાથે ખાસ પોલીસ કમિશનર અહેમદ ખુર્શિદ અને ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વધુ વાંચો- ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી રાજકોટ LCB