સાયલાના કાશીપુરા ગામના વિદ્યાર્થીઓ સાયલા સુધી ચાલીને શાળાએ જવા મજબૂર: સુરેન્દ્રનગર
સાયલા : રાજ્યમાં શિક્ષણના પ્રશ્નો લોકો દ્વારા વર્ષોથી ઉઠાવાઈ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કાશીપુરા ગામના લોકો દ્વારા પણ અનેક વખત રજૂઆતો થતી રહી છે. કાશીપુરા ગામમાં માત્ર એક પ્રાથમિક શાળા છે જેના કારણે હાઈસ્કૂલ માટે વિદ્યાર્થીઓને સાયલા જવું પડે છે. કાશીપુર ગામથી સાયલાનું અંતર ચારેક કિલોમીટર છે પરંતુ વિદ્યાર્થીઓ માટે કોઈ વાહન વ્યવસ્થા પણ ન હોય વિદ્યાર્થી પગપાળા જવા મજબૂર બને છે. ત્યારે ગ્રામજનો જણાવી રહ્યાં છે અગાઉ પણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને રજૂઆતો કરી છે પરંતુ કોઈ અમારી પીડા બાબતે ધ્યાન આપતું નથી.
કાશીપુરા ગામથી સાયલા (Sayla) ભણવા જતા વિદ્યાર્થીઓ માટે હવે ચોમાસામાં વધારે મુશ્કેલી સર્જાય રહી છે. ત્યારે ગામના સરપંચ દ્વારા વહેલી તકે વિદ્યાર્થીઓ માટે વાહન-વ્યવસ્થા કરી આપવાની માગણી કરવામાં આવી છે. સાયલા ભણવા માટે કાશીપુરાથી 60 જેટલા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીનીઓને પણ પગપાળા જવામાં ભય લાગતો હોય છે છતાં ભણવા માટે મજબૂરી વશ દૂર સુધી પગપાળા જવા મજબૂર છે.
ગામની વિદ્યાર્થીનીઓને શાળામાં જવા માટ સાયલા જતા સમયે અસામાજીક તત્વો દ્વારા હેરાનગતિનો સમાનો પણ કરવો પડે છે. આ બાબતે ગ્રામજને પોલીસ અને સ્થાનિક આગેવાનોને પણ અવગત કર્યા હતા. ઉપરાંત ગામના સરપંચ દ્વારા સાંસદ અને કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરા તેમજ ધારાસભ્ય અને રાજ્યની કેબિનેટના મંત્રી કિરીટસિંહને પણ આ બાબતે રજૂઆતો કરી છે. પણ સ્થિતી આજસુધી ઠેરની ઠેર છે. જેથી ગ્રામજનો આ સમસ્યાથી વહેલો છુટકારો આપવવામાં આવે તેવી માગણી કરી રહ્યાં છે.