Video ઘસમસતા પ્રવાહમાં ડૂબતા માણસને બચાવવા કૂદી પડ્યા પોલીસ કર્મચારી, ચારે તરફ થઈ રહ્યાં છે વખાણ
પુણે : વરસાદની ઋતુમાં દેશમાં વિવિધ સ્થળે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ Video Viral થઈ રહ્યો છે. આ વિડીયોમાં બે પોલીસ કર્મચારીઓ ઘસમસતા પાણીના પ્રવાહમાંથી એક વ્યક્તિને જાનના જોખમે બચાવ કાર્ય કરતા જોઈ શકાય છે. આ વિડીયો લોકસભા સાંસદ અને એન.સી.પી. નેતા સુપ્રીયા સુલે દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. સુપ્રીયાએ આ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ વિડીયો Videoમાં પુણેના દત્તાવાડીના શિવાણે ગામના બાગુલ ઉદ્યાનમાં કેવી રીતે બે પોલીસ કર્મચારી વ્યક્તિને પાણીની નહેરમાં બચાવવા પ્રયાસ કરે છે. કોન્સ્ટેબલ સદ્દામ શેખ અને અજીત પોકારે ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચે નહેરમાં ઘુસી જઈ બચાવ કામગીરી કરી રહ્યાં છે.
એન.સી.પી. નેતા સુપ્રીયા સુલેએ વિડીયો પોસ્ટ કરી કેપ્શન લખ્યું છે કે, “પોલીસ કોન્સ્ટેબલ સદ્દામ શેખ અને અજિત પોખરેએ પૂણેના દત્તાવાડીમાં કેનાલમાં ડૂબતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો. બંનેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને જે બહાદુરી બતાવી છે તે પ્રશંસનીય છે. અમને ગર્વ છે. મહારાષ્ટ્રને પોલીસ પર ગર્વ છે.”
તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. સહિતના કર્મચારીઓ વરસાદમાં બાળકો સાથે ફસાયેલી કારને ધક્કા મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. જે બાદ તેમની ખુબ જ સરાહના પણ થઈ હતી. ત્યારે હવે મહારાષ્ટ્ર પોલીસ કર્મચારીઓનો આ વિડીયો સામે આવ્યો છે જેથી લોકો પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યાં છે
મહત્વની વાત છે કે માહારાષ્ટ્રમાં વરસાદને પગલે તંત્રને ખડે પગે રહેવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા જણાવાયું છે. તેમજ જિલ્લા વહિવટી તંત્રને પણ હાઈએલર્ટ પર રહેવાનો આદેશ કરી દીધો છે. સાથે જ આગોતરા પગલા લઈ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ રાજ્યના એવા વિસ્તારોમાં 17 ટીમો તૈનાત કરી છે.